Sunday, October 9, 2022

shrdpunm

 શ રદ પૂનમ ઝગમગ ચાંદનીથી આભ અને ધરતીને એક અનોખા મંગલ ''સૌંદર્યમાં પરિવર્તિત કરી દે છે. જાણે સર્વત્ર-સર્વમાં ચાંદની સ્વરૂપ પ્રભુનું દર્શન થાય છે. ગીતાજીના દસમા અધ્યાય-વિભૂતિયોગમાં ભગવાન કહે છે ''નક્ષત્રાણામ્ અહં શશિ''.... (નક્ષત્રોમાં ચંદ્ર હું છું. વિષ્ણુસહસ્ત્રનામોમાં પણ ચંદ્ર સાથે જોડાયેલાં નામ-પ્રકાશરૂપ, નક્ષત્રાણામ્ પતિ, ઔષધિનામ્ પતિ, લલિતઃ સૌમ્યરૂપઃ, રૂપાણામ્પતિઃ દીપ્તિઃ, અમૃતસ્ય પ્રદાતા, મુદમ્રતિઃ શુચિઃ, નંદયિતા, ગૌરઃ વગેરે જાણવા મળે છે. જેનું દર્શન શરદ પૂનમે કરી શકાય.

શરદ પૂનમ ઝલમલ ચાંદનીના પ્રકાશથી આભ-ધરતીને એક અનોખા સૌંદર્યમાં પરિવર્તિત કરી દે છે. શરદ પૂનમનાં પૂર્ણ ચંદ્ર અને ચાંદની જાણે મંગલમય પ્રભુનું સ્વરૂપ. શરદ પૂનમના શીતળ પ્રકાશથી મઢયું સમગ્ર વાતાવરણ જાણે (માતાનો) ''વત્સલ'' ખોળો. સદ્ગુરૂનો હેતલ..પવિત્ર...ચેતનાથી ઝળહળતો ચહેરો...ચોમેર નજર નાંખીએ તો લાગે કે જાણે સમસ્ત સૃષ્ટિ, શરદ પૂનમના પ્રકાશમાં પ્રફુલ્લિત થઈ રહી છે. ''ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રના જ'' એવું ગાતો સમય પણ ભાવાનુભૂતિમાં સ્થિર થઈ ગયો હોય છે.

શરદ પૂનમને ''માણેકઠારી'' પણ કહે છે. માણેક (રત્નની) દિવ્ય શીતળતા - માંગલ્ય શરદ પૂનમમાં અનુભવાય છે. સૌમ્ય...સુંદર-ઠંડકની મધુર માદકતા તેમાં છે. સમગ્ર સૃષ્ટિ...એટલે કે સમગ્ર પંચતત્ત્વો (તેજ, જળ, ભૂમિ, આકાશ, અગ્નિ) બધાં મધુરતાનો લય પામ્યાં છે. શરદપૂનમનું ચૂંબકીય વ્યક્તિત્વ છે જે સૌને આકર્ષે છે. ને પોતાના રૂપ બનાવે છે. શરદપૂનમના દર્શનથી પવિત્ર ભાવ અનુભવાય છે તેથી તે દ્રષ્ટિપૂત છે. તેનું દર્શન બત્રીસ કોઠે ઠંડક આપનારું છે. યુગોથી આવો મંગલ સમૃદ્ધિ આપનાર શરદપૂનમનું શાશ્વતમૂલ્ય (ઈંીહિટ્વઙ્મ ફટ્વઙ્મેી) છે. શ્રીકૃષ્ણની રાસલીલાના મધુર, સ્મરણનો મલકાટ પણ તેના દર્શનમાં છે.

શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણ ભગવાનની રાસલીલાનું વર્ણન છે. શ્રી વ્યાસમુનિએ શરદપૂનમનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે - ''જેમ યદુપતિ શ્રીકૃષ્ણ યાદવ મંડળથી વીંટળાઇને પૃથ્વી ઉપર શોભતા હતા તેમ, અખંડ મંડળવાળો શરદઋતુનો ચંદ્ર આકાશમાં નક્ષત્રોથી વીંટળાઈને શોભવા લાગ્યો. શરદપૂનમના ચંદ્રના શીતળ પ્રકાશભરી ભૂમિનું ચોમેર દર્શન કરવું તે શરદપૂનમના ચંદ્રની પર્યુપાસના છે ચારેબાજુની આરાધના છે. ચિંતકો તો ભાવ વિભોર બની શરદપૂનમના સમગ્ર વાતાવરણનું શુક્લ (પવિત્ર નિર્મળ) ધ્યાન ધરે છે. આવા અદ્ભૂત વાતાવરણમાં અવગાહન (સ્નાન....અધ્યયન) કરે છે.

શરીરનો આધાર મસ્તિષ્ક છે. જો તેને ઠુંડું-શીતળ રાખવામાં આવે તો વ્યક્તિ દીઘાયુષ્ય પામે છે. આ દ્રષ્ટિએ પણ શરદપૂનમનું મહત્વ છે. તેનો ઠંડો-શીતળ-પ્રકાશ ઔષધ છે. એટલે તો ચંદ્રના પ્રકાશમાં રાખેલા દૂધ, પૌંઆ પ્રસાદરૂપે લેવાય છે. આ પણ આયુર્વેદિક દ્રષ્ટિએ શીતલીકરણનો ઉપાય છે.ળ

શરદપૂનમ માનવને સમજાવે છે કે આ સમગ્ર સૃષ્ટિનો સર્જક પરમાત્મા પ્રેમપૂર્ણ છે. મંગલમય છે આહ્લાદ આપનાર છે. આનંદથી પુલકિત કરનાર છે. શરદપૂનમ તો પરમાત્માનું મંગલ-પ્રસન્ન, સત્-ચિત્-આનંદ સ્વરૂપે છે. તેનું ભાવપૂર્વક દર્શન કરી રોમેરોમમાં આનંદ..પવિત્રતા...શાંતિ ભરીએ.

- લાભુભાઈ ર. પંડયા