Tuesday, December 30, 2025

કોંગ્રેસનું 'સંઘ-સંકટ': વિચારધારાની લડાઈ

 તંત્રીલેખ


 કોંગ્રેસનું 'સંઘ-સંકટ': વિચારધારાની લડાઈ


++++++++++++

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યસભામાં કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સંગઠનાત્મક શક્તિની પ્રશંસા કરીને કોંગ્રેસમાં જે બબાલ ઊભી કરી છે, તે માત્ર એક રાજકીય નિવેદન પૂરત સીમિત નથી. આ ઘટના કોંગ્રેસ પક્ષની આંતરિક વિચારધારા, તેની વર્તમાન રાજકીય દિશા અને ભૂતકાળના નેતાઓ દ્વારા સંઘ પ્રત્યેના વલણ વચ્ચેના ગહન વિરોધાભાસને ઉજાગર કરે છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક પહેલાં જ દિગ્વિજય સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુવાવસ્થાની એક તસવીર શેર કરીને, RSS-BJPની સંગઠનાત્મક તાકાતને બિરદાવી અને કોંગ્રેસને તેમાંથી શીખ લેવાની સલાહ આપી, ત્યારે તેમના જીવનભરના સંઘ-વિરોધી વલણને કારણે આ વિવાદ વધુ વકર્યો. સોશિયલ મીડિયા પર અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તાઓના નિશાને તેઓ આવી ગયા. આનું મુખ્ય કારણ એ છે કે આજના સંજોગોમાં કોંગ્રેસ સંઘને માત્ર રાજકીય હરીફ નહીં, પણ નફરત ફેલાવનાર અને વિભાજનકારી વિચારધારાવાળી સંસ્થા તરીકે જુએ છે.

જોકે, દિગ્વિજય સિંહનો વિવાદ કેવળ તેમની RSS પ્રશંસા પૂરતો નથી. આ પોસ્ટમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગેને ટૅગ કરીને, તેમણે પક્ષમાં સંગઠનાત્મક સુધારા અને વિકેન્દ્રીકરણની પોતાની માંગને ફરીથી ઉજાગર કરી છે. ઘણા નેતાઓ તેને વર્તમાન કેન્દ્રીય નેતૃત્વ પરના પરોક્ષ હુમલા તરીકે જુએ છે. વળી, દિગ્વિજય સિંહના ભૂતકાળના નિવેદનો, જેમાં તેમણે RSS પર નફરત ફેલાવવા, ફેક ન્યૂઝ અને આતંકવાદી ષડયંત્રો સુધીના આક્ષેપો કર્યા છે, તેને જોતાં તેમની અચાનક આવેલી પ્રશંસા પર પક્ષમાં શંકા ઊભી થવી સ્વાભાવિક છે.

પરંતુ, આ સમગ્ર વિવાદનો બીજો અને વધુ મહત્ત્વપૂર્ણ પક્ષ કોંગ્રેસના ઇતિહાસમાં દટાયેલો છે. દિગ્વિજય સિંહ RSSની પ્રશંસા કરનારા પહેલા નેતા નથી. એક સમયે કોંગ્રેસના સ્થાપક નેતાઓથી લઈને આધુનિક યુગના મહાનુભાવોએ પણ વિવિધ પ્રસંગોએ સંઘની સંગઠન શક્તિ, અનુશાસન અને દેશભક્તિને સ્વીકારી છે.

 મહાત્મા ગાંધીએ (1934 અને 1947): RSSના કેમ્પની મુલાકાત લીધી અને તેમની અનુશાસન, સાદગી અને અસ્પૃશ્યતાની ગેરહાજરીથી પ્રભાવિત થયા હતા.

જવાહરલાલ નેહરુએ (1962 અને 1963): ભારત-ચીન યુદ્ધ દરમિયાન રાહત કાર્ય માટે સંઘના સ્વયંસેવકોના યોગદાનને સ્વીકારી, તેમને 1963ની ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

  સરદાર વલ્લભભાઈ પટેલે (1949): ગાંધી હત્યા બાદ પ્રતિબંધ દૂર કર્યા પછી ગોલવલકરને લખ્યું હતું કે સંઘના સભ્યો દેશભક્ત છે.

 ડો. બી.આર. આંબેડકરે (1939): પૂણેમાં RSSના શિબિરની મુલાકાત લઈ સ્વયંસેવકોમાં જોવા મળતી સંપૂર્ણ સમાનતા અને ભાઈચારાની પ્રશંસા કરી હતી.

 ઇન્દિરા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી: તેમણે પણ જુદા જુદા પ્રસંગોએ સંઘની દેશભક્તિ અને સહયોગની ભાવનાને માન્યતા આપી હતી.

 પ્રણવ મુખર્જી (2018): પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકે RSS મુખ્યાલયની મુલાકાત લીધી અને સ્થાપક કેશવ બલિરામ હેડગેવારને 'માતૃભૂમિના મહાન પુત્ર' કહ્યા હતા.

આ ઐતિહાસિક તથ્યો સ્પષ્ટ કરે છે કે RSS સાથે કોંગ્રેસના સંબંધો હંમેશા કટ્ટર વિરોધના નહોતા. નેતાઓએ તેમની રાજકીય વિચારધારા અલગ હોવા છતાં, સંઘની સંગઠનાત્મક ક્ષમતા અને રાષ્ટ્રીયતાની ભાવનાને સ્વીકારી હતી.

આજે, કોંગ્રેસ એક કઠોર વિચારધારાની કેદમાં બંધાયેલી જોવા મળે છે, જ્યાં RSSની સંગઠનાત્મક શક્તિની પ્રશંસા કરવી પણ 'ગુનો' ગણાય છે. જ્યારે દિગ્વિજય સિંહની ટિપ્પણીનો હેતુ કદાચ આંતરિક સુધારા માટે દબાણ લાવવાનો હોય, ત્યારે પક્ષની વર્તમાન પ્રતિક્રિયા દર્શાવે છે કે તે વિરોધ પક્ષની સકારાત્મક શક્તિને સ્વીકારવા તૈયાર નથી. રાજકીય વિરોધ જરૂરી છે, પરંતુ વિરોધીના ગુણમાંથી શીખવાની ક્ષમતા રાજનીતિમાં પ્રગતિ માટે અનિવાર્ય છે. જો કોંગ્રેસ RSSની વિચારધારાનો વિરોધ કરવા માંગતી હોય, તો તેણે તેની સંગઠનાત્મક શક્તિને નકારવાને બદલે, તેમાંથી પ્રેરણા લઈ પોતાની સંગઠનાત્મક નબળાઈઓને દૂર કરવી જોઈએ.

કોંગ્રેસ માટે આ 'સંઘ-સંકટ' માત્ર દિગ્વિજય સિંહનો મુદ્દો નથી, પણ પક્ષે પોતાના ભૂતકાળના નેતાઓની દૂરંદેશી અને વર્તમાન કઠોરતા વચ્ચે સંતુલન સાધી, પોતાના રાજકીય અસ્તિત્વ માટે એક નવી અને મધ્યમ માર્ગીય વિચારધારા શોધવાનો પડકાર

 છે.

સુરેશ ભટ્ટ 


No comments: